ટંકારામાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા ઇસમે સરકારી યોજનાના ફોર્મ ભરવામાં નક્કી કરેલી ફી કરતા વધુ રકમના ઉઘરાણા કરવામાં આવતા હોય જે મામલે એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદને પગલે એસીબી ટીમે સ્થળ પર તપાસ કરતા વધુ રકમના ઉઘરાણા થતા હોવાનું ફલીત થતા એસીબી ટીમે એક ઈસમને ઝડપી લઈને ૨૦૦ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે.
ટંકારાના લતીપર રોડ પર આવેલા દ્વારકાધીશ કોમ્પેલ્ક્ષમાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા જીતેન્દ્રકુમાર પ્રવિણભાઇ ચોહાણ નામનો ઇસમ કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈપણ યોજનાઓના/સહાયનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરી આપવાનુ અને પોતે CSCનું પ્રમાણપ્રત્ર ધરાવતા હોય જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ “પી.એમ. વિશ્વકર્મા યોજના” અંતર્ગત અરજી કરવા આવતા અરજદારોને ઓનલાઇન અરજી કરવા પેટે દરેક ઓનલાઇન ફોર્મ ઉપર આરોપીને સરકાર તરફથી ફોર્મ દીઠ મહેનતાણુ ચુકવવામાં આવતુ હોવા છતા આ કામના આરોપી પોતાની પાસે પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત અરજી કરવા આવતા અરજદારો પાસેથી રૂપિયા ૨૦૦ થી ૫૦૦ સુધીની રકમ ઉઘરાવતો હોવાની ફરિયાદ જાગૃત નાગરિક તરફથી મળી હતી.
મોરબી એસીબી ટીમ વોચમાં રહી આવતા જતા અરજદરને મળી એક અરજદાર ડીકોયર તરીકે રહેવા સહમત થતા પોતાનુ પી.એમ. વિશ્વકર્મા યોજનાનું ઓનલાઇન ફોર્મ ભરવા મોકલતા આરોપીએ ડીકોયરનું પોતાના CSC આઈડી ઉપર ઓનલાઇન ફોર્મ ભરી આપી ફોર્મની નકલ આપી અવેજ પેટે અરજદાર પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયા ૨૦૦ની માંગણી કરી રકમ સ્વીકારી હતી જેથી એસીબી ટીમે આરોપી જીતેન્દ્રકુમાર પ્રવીણભાઈ ચૌહાણને ઝડપી લઈને લાંચની રકમ રૂ ૨૦૦ રીકવર કરી છે. રાજકોટ એસીબીના મદદનીશ નિયામક વી કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ એચ એમ રાણાની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું