મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજના યુવાનને બાકી નીકળતો પગાર ચૂકવવાને બદલે ઢોર માર મારી જાતિ પ્રત્યે અપમાનીત કરવાની ફરિયાદ નોંધાયા બાદ જેલહવાલે થયેલ મોરબીની રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલની જામીન અરજીની પર સુનાવણી બાદ નામદાર કોર્ટે વિભૂતિ ઉર્ફે રાણીબાની જામીન અરજી મંજુર કરી છે.
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા નામના યુવાને રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટમાં માર્કેટિંગની નોકરીમાં બાકી નીકળતો પગાર માંગતા રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત સહિતના દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મૂંઢ માર મારી આરોપી વિભૂતિ પટેલે ચપ્પલ મોઢામાં લેવડાવી જાતિ પ્રત્યે અપમાનિત કરી કર્યાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં નોંધાયા બાદ રાણીબા સહિતના તમામ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ ચકચારી કેસમાં રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ એક જ આરોપી જેલમાં હોય અને અન્ય આરોપીઓને જામીન મળ્યા હોય આજે નામદાર મોરબી કોર્ટમાં બન્ને પક્ષની દલીલો બાદ પેરિટીનો લાભ આપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાની રેગ્યુલર જામીન અરજી કોર્ટે મંજુર કરવામાં આવી હોવાનું સરકારી વકીલ સંજય દવેએ જણાવ્યું હતું.આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ ગોપલભાઈ ઓઝા રોકાયેલા હતા.