આગામી તા. ૨૨ મી એ સમગ્ર શહેરના હિંદુ ધર્મના લોકો શોભાયાત્રામા જોડાશે, અને એક પંગતે સમૂહપ્રસાદ મહાપ્રસાદનુ અદકેરૂ આયોજન

અયોધ્યામા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમા ઉજવણી માટે હરખનો ઉમંગ ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. રામલલ્લા મહોત્સવની ઘર આંગણે ઉજવણી કરવા સમગ્ર ટંકારા શહેરમા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આગામી તા. 22 મીએ અયોધ્યામા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન સરકાર દ્વારા કરવાનુ નક્કી કરાયુ છે. સમગ્ર દેશમા ધાર્મિક માહોલ સર્જાયો છે. અયોધ્યામા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ટંકારામા પણ સ્થાનિકે ધર્મોત્સવ મનાવવા છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.સમગ્ર શહેરમા સ્વયંભૂ જુવાળ ઉભો થયો હોય એમ દરેક વિસ્તાર માથી લોકો મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા પોતાનુ યોગદાન આપવા આયોજકોને તન, મન, ધનથી સહકાર આપવા ઉત્સાહિત છે. તા. ૨૨ મી એ યોજાનારી મહા શોભાયાત્રા મા હિન્દુધર્મ ના ધંધાર્થીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સ્વયંભુ જોડાઈ અને સમગ્ર શહેરના હિંદુ ધર્મના પરીવારો મહાશોભાયાત્રા મા સામેલ થાય એ માટે તખ્તો ઘડાઈ રહ્યો છે. અને આખા નગરમાં એક પણ ઘરે ચુલો સળગે નહીં અને શહેરનો જન જન એક સાથે મહાપ્રસાદ મા જોડાઈ એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે માટે ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા ની આગેવાની હેઠળ રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમિતિના ભૂપેન્દ્રભાઈ કુકડીયા, લાલાભાઈ ભાટીયા, રણજીત ગઢવી, હસમુખભાઈ દુબરીયા, જયેશ પટેલ સહિતના કાર્યકરો દ્વારા મહોલ્લા બેઠક યોજી દરેક ને ધાર્મિક ઉત્સવ મા જોડાવા રૂબરૂ આમંત્રણ પાઠવવા, શહેરને સુશોભિત કરવાનું, ભગવા ધ્વજ,પતાકા અને રોશનીથી શણગારવામાં આવી રહ્યુ છે. આ પ્રસંગે શહેરના ઘરે ઘરે તોરણ, રંગોળી અને દિવડા પ્રગટાવવામા આવે તે માટે આખરી ઓપ અપાઈ રહ્યો છે.તા. ૨૨ મી જાન્યુઆરી એ સવારે મહાશોભાયાત્રા નો પ્રારંભ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર દેરીનાકા બહાર બિરાજતા ફુલિયા હનુમાનજી મંદિરેથી સવારે 9:30 વાગ્યે શરૂ થશે અને શહેરમા પ્રવેશી રાજબાઈ ચોક, દેરાસર રોડ, ઘેટીયા વાસ રામજી મંદિરે પહોંચી ત્યાંથી ઉગમણા દરવાજા,ત્રણ હાટડી રામજી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, મહર્ષિ દયાનંદ ચોક ખાતે પહોંચ્યા બાદ અહી અયોધ્યા ખાતે યોજાનાર મહા મહોત્સવનુ મોટી સ્કીનમા લાઈવ પ્રસારણ નિહાળ્યા બાદ મહા આરતીના અંતે સમગ્ર શહેરના ધર્મપ્રેમી પરીવારો માટે મહાપ્રસાદ યોજાશે. ઉપરાંત, તાલુકાના ગણેશપર ગામે પણ ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામા આવશે એમ ગણેશપર ગામના યુવા અગ્રણી જીજ્ઞેશભાઈ દેવડાએ એક યાદી મા જણાવ્યુ હતુ.