મોરબીમાં ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જોકે પીપળી રોડ પર આવેલ મારુતિ પાર્ક સોસાયટીના રહીશોને ઉતરાયણ હમેશા માટે યાદ રહી જશે કેમ કે, ગત રાત્રીના એક સાથે ૭ થી ૮ મકાનને નિશાન બનાવી તસ્કરો હાથફેરો કરી ગયા હતા જેમાં રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પીપળી રોડ પર આવેલ મારૂતિ પાર્ક સોસાયટીમાં સાતથી આઠ મકાનના તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં અહી રહેતા સુરેશભાઈ જીતીયા, મહેશભાઈ સોલંકી, અમિતભાઈ મકવાણા, સુનીલભાઈના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તે ઉપરાંત બેંક દ્વારા સીલ કરવામાં આવેલ ત્રણથી ચાર મકાન સહીત કુલ ૭-૮ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સુરેશભાઈના મકાનમાંથી રોકડ રકમ રૂપિયા ૨૫ હજાર, બાળકોનો ગલ્લો, બે વીંટી, એક બુટી અને ચાંદીના દાગીના સહીત 70 હજારના ઘરેણા ચોરી ગયા હતા તો મહેશભાઈના મકાનમાંથી ૨૭ હજારની કિમતના ૨ મોબાઈલ તેમજ અમિતભાઈના મકાનમાંથી ૧૨ હજાર રોકડ ઉપરાંત કાનની બુટી સહિતના દાગીના અને સુનીલભાઈના મકાનમાંથી ૧૦ હજારની રોકડ રકમ ચોરી કરી ગયાની માહિતી સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થઇ છે. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી છે.