વાંકાનેર-દેવદયા ખાતે બાળકોની આંખના રોગો તથા ત્રાંસી આંખ નો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાશે

Advertisement
Advertisement

 

 

મેગા કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી નામ નોંધાવવું ફરજીયાત છે.

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલ, નવા બસ સ્ટેશન પાસે, રાજકોટ રોડ, વાંકાનેર ફોન (૦ર૮ર૮) રરર૦૮ર, મો. ૯૪૦૮૯ ૩૯૯૮ર ખાતે તારીખ ર૭/૦૧/ર૦ર૪, શનિવારથી તારીખ ૦૩/૦ર/ર૦ર૪, શનિવાર સુધી બાળકોની આંખના રોગો તથા ત્રાંસી આંખ માટે વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. બાળકોની આંખના રોગો જેવાકે આંખ લાલ થવી, આંખમાં દુઃખાવો હોવો, વધુ નંબર હોવા, બાળ મોતિયો, ત્રાંસી આંખ, આંખમાંથી સતત પાણી પડવું, પાંપણ ઢળેલી હોવી વગેરે માટે આ કેમ્પમાં વિનામૂલ્યે નિદાન, સારવાર તથા ઉપલબ્ધ સુવિધા મુજબ ઓપરેશન કરવામાં આવશે. જેમાં ૧ થી ૧૬ વર્ષ સુધીના બાળકો કેમ્પમાં લાભ લઇ શકશે. ત્રાંસી આંખ માટે કોઇપણ ઉંમરના દર્દીઓ આ કેમ્પમાં લાભ લઇ શકશે. ત્રાંસી આંખ ધરાવતા દર્દીઓનું વિનામૂલ્યે નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે. દેશ-વિદેશના આંખના નિષ્ણાંત ડોકટરોની સેવાઓનો લાભ આ કેમ્પમાં ખાસ મળવાનો છે. દર્દીની સાથે માત્ર બે વ્યકિત જ આવી શકશે. દર્દીઓ તથા તેમના વાલીઓની રહેવા-જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. નામ નોંધાવતી વખતે દર્દીઓને જે તારીખ અને સમય આપવામાં આવે તે દિવસે જ આવવાનું રહેશે.

મેગા કેમ્પમાં લાભ લેવા માટે દર્દીઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું-નામ નોંધાવવું ફરજીયાત રહેશે. જે દર્દીઓનું નામ અગાઉથી નોંધાયેલ હશે તેવા દર્દીઓ જ આ કેમ્પનો લાભ લઇ શકશે. નામ નોંધવાનું શરૂ થઇ ગયેલ છે. નામ નોંધાવવા માટે સવારે ૯ઃ૦૦ થી ૧ઃ૦૦ તથા બપોરે રઃ૦૦ થી પઃ૦૦ ની વચ્ચેના સમયમાં હોસ્પિટલના નંબર (૦ર૮ર૮) રરર૦૮ર ઉપર અથવા મો. ૯૪૦૮૯ ૩૯૯૮ર ઉપર ફોન કરવો.

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા છ વર્ષથી વાંકાનેરમાં મેગા કેમ્પ કરે છે. જેમાં વર્ષ ર૦૧૬ થી વર્ષ ર૦ર૩ (કોરોના ના સમયગાળા સિવાય) સુધીમાં ૭પ૦૦ થી વધુ દર્દીઓના નિદાન કરવામાં આવ્યા હતા તથા ૭૦૦ થી વધુ ઓપરેશન કરવામા આવ્યા હતા. મેગા કેમ્પ વિશેની વધારાની માહિતી સમયાંતરે અખબારમાં, ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક એકાઉન્ટમાંથી મળી શકશે. વધુને વધુ લોકો સુધી આ માહિતી પહોંચે અને આંખના રોગોના બાળદર્દીઓ તથા ત્રાંસી આંખના કોઇપણ ઉંમરના દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવી અપીલ ટ્રસ્ટીશ્રીઓ દ્વારા કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના જનરલ મેનેજર ધવલભાઇ કરથીયા (મો. ૯૪૦૮૯ ૩૯૯૮ર) અથવા દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વીવીપી એન્જીનીયરીંગ કોલેજ, રાજકોટના લાઇબ્રેરીયન ડો. તેજસભાઇ શાહ (મો. ૭પ૬૭૦ ૪૯૩૦૧) નો સંપર્ક કરવો. અત્રે ઉલ્લેખનીય છે કે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ર૩ વર્ષથી આરોગ્યક્ષેત્રે સેવાઓ આપી રહયું છે. ટ્રસ્ટના ફાઉન્ડર અને યુ.કે. સ્થિત સ્વ. ડો. રમણીકભાઇ મહેતા, તેમના પત્ની ડો. ભાનુબેન, પુત્ર દેવેશભાઇ, ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ સ્વ. શ્રી લલિતભાઇ મહેતા, વર્તમાન પ્રમુખશ્રી રાજેશભાઇ કોઠારી અને ઉપપ્રમુખશ્રી અનંતરાય મહેતાએ દર્દીઓની આરોગ્ય સુખાકારી માટે આજ સુધી અથાગ પ્રયત્નો કર્યા છે જેના પરિણામે અનેક દર્દીઓને લાભ મળ્યો છે.