વાંકાનેરના અરણીટીંબા ગામ નજીક સ્કૂલ બસની અડફેટે માસૂમ બાળકીનું મોત

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક વાંકાનેર-મિતાણા મેઈન રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કૂલ બસના ચાલકે રોડની સાઈડમાં ઉભેલી ચાર વર્ષની માસુમ બાળકીને અડફેટે લેતા બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હોવાની માહિતી મળી રહી છે. અરણીટીંબા ગામ નજીક વાંકાનેર-મીતાણા મેઇન રોડ પર તળાવ નજીક રોડની સાઈડમાં ઉભેલ તિથવા ગામના વતની ઈમ્તિયાઝભાઈ શાહમદાર અને તેની ચાર વર્ષની પુત્રી સાનિયાને ત્યાંથી પસાર થતી એક ખાનગી સ્કૂલ બસના ચાલકે ગંભીર બેદરકારી દાખવી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વર્ષની માસુમ બાળકી સાનિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાલ મૃતક બાળકીની બોડીને પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.