મોરબી: જિલ્લાના તમામ ધર્મ સ્થાનોમાં સઘન સફાઈ અભિયાન, પ્રધાનમંત્રીના આહવાન બાદ ઝુંબેશ

Advertisement
Advertisement

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના થનાર છે. ત્યારે આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 14 થી 22 જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના-મોટા ધર્મ સ્થાનો ખાતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરી ધાર્મિક સ્થાનોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવા આહવાન કર્યું છે. ત્યારે મોરબી જિલ્લાના પણ તમામ ધર્મ સ્થાનોની સફાઈ કરવા જણાવાયું છે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના મોટા તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરવાનું રાજ્ય સરકારે નક્કી કરેલ છે. જેમાં તમામ યાત્રાધામોનું પરિસર, ધાર્મિકસ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવી, કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય વસ્તુઓનું વ્યવસ્થાપન ગોઠવવું તેનો યોગ્ય રીતે ડમ્પિંગ કરવામાં આવે તેમજ કોઈ પણ સ્થાન ઉપર કચરો બિલકુલ ન દેખાય તેની ખાસ કાળજી લેવી તથા સમગ્ર અભિયાનમાં પદાધિકારીઓ, સહકારી સંસ્થાઓ, ધાર્મિક સંગઠનોનો સહયોગ, વિદ્યાર્થીઓનો તથા શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ લઈને આયોજન કરવા અને તમામ વર્ગોને સ્વચ્છતા અંગેની કામગીરીમાં સ્વૈચ્છિક રીતે સામેલ કરવા અને સ્વચ્છતા એ જ સેવા અંગેના પ્રચાર-પ્રસારમાં સહભાગી બનાવવા જિલ્લાના કલેકટરોને સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવી છે.