મોરબી: પંચાસર રોડ પહોળો કરવા તંત્રનું મેગા ડિમોલેશન, આશરે 200 જેટલા મકાનો તોડી પાડવાની કામગીરી

Advertisement
Advertisement

 

મોરબી શહેરના પંચાસર રોડ પહોળો કરવા માટે રોડ બનાવવામાં નડતરરૂપ ગેરકાયદે દબાણો ઉપર તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આ રોડ બનાવવા માટે પાલિકા તંત્રએ અગાઉ પંચાસર રોડ ઉપર આવેલા ભારતપરામાં 30થી વધુ વર્ષોથી કાચા પાકા મકાનોમાં રહેતા આશરે 300 જેટલા પરિવારોને નોટિસ આપી હતી અને જો આ મકાનો જાતે નહીં ખાલી કરે તો તંત્ર દ્વારા ગેરકાયદેસર મકાનો તોડી પડાશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. અચાનક જ મકાનો ખાલી કરવાની નોટીસથી ફફડી ઉઠેલા 300 જેટલા પરિવારો તેમના સમાજના ધર્મગરુની આગેવાનીમાં જિલ્લા કલેકટર પાસે દોડી ગયા હતા અને આ લોકો એકદમ ગરીબ પરિવારના હોય ટંકનું લઈને ટંકનું ખાનાર હોય આવા સંજોગોમાં મકાનો તોડી પડાશે તો ક્યાં જશે? નવા મકાનો બનાવવા કે ભાડે મકાન લેવાની ક્ષમતા ન હોય મકાનો તોડી પાડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. પણ આ માંગણી સંતોષાઈ એ પહેલાં જ સવારે તંત્રએ પંચાસર રોડ ઉપર ભરતપરામાં મકાનો પર બુલડોઝર ફેરવાનું શરૂ કરી દેતા મકાનો વિહોણાં બનેલા લોકો કફોડી હાલતમાં મુકાય ગયા છે.

મોરબી નગરપાલિકા તંત્રના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમાર, ડીવાયએસપી, 120 પોલીસ જવાનો અને 15 પોલીસ અધિકારી, ડે. કલેકટર અને મામલતદાર વાળા, નિખિલ મહેતા, સહિત રેવન્યુ અને પાલિકાનો 80 જેટલો સ્ટાફે ડીમોલેશન હાથ ધરીને આશરે 200 જેટલા ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમારે જણાવ્યું હતું કે, રોડ પહોળો કરવામાં નડતરરૂપ બાંધકામ હટાવવા માટે લોકોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને અનેક લોકોએ પોતાના મકાન સ્વૈચ્છીક ખાલી કરી નાખ્યા છે અને બાકી રહેતા મકાનો હટાવવા માટે હાલમાં પાંચ જેસીબી, 8થી વધુ ટ્રેક્ટરો સહિતના વાહનોના મોટા કાફલા સાથે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.