વાંકાનેર: મહિકા પંથકમાં મેટલના પ્લાન્ટની ભઠ્ઠીમાં બ્લાસ્ટ

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના મહીકા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગત રાત્રીના સમયે પ્રચંડ વિસ્ફોટ થયા બાદ ધરતી ધ્રુજી હતી. જેને પગલે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ઘટનાના આધારે લોકોમાં ભૂકંપ હોવાનું માની ઘર બહાર નીકળી ગયા હતા પરંતુ ઘટના બાદ વહેલી સવારે સામે આવ્યું કે પાસેના વિસ્તારમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થયો હતો જેના કારણે ધરા ધ્રુજી ઉઠી હતી. વાંકાનેર તાલુકાના મહીકા ગામે સમઢિયાળા રોડ પર આવેલ સનસાઇઝ મેટલ નામના કારખાનેદાર દ્વારા જણાવ્યું હતું કે કારખાનામાં રાત્રીના સમયે લોખંડ ઓગળવાની ભઠ્ઠી કાર્યરત હતી. રાત્રીના ૦૩:૦૦ વાગ્યે ભઠ્ઠીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે આસપાસના મોટાભાગના વિસ્તારની ધરતી ધ્રુજી ગઈ હતી અને ત્યાં વસતા લોકોને તેની અસર અનુભવાઈ હતી. આ દુર્ઘટનામાં 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે ચારેયને રાત્રીના જ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાથી બે લોકો સ્વસ્થ થતા તેમને રજા આપી દેવાય છે. જ્યારે બે લોકો હાલ સારવાર હેઠળ છે. નોંધનીય છે કે આજે વહેલી સવારથી વાંકાનેર તાલુકાના મહિકા, ગારીડા, સમઢીયાળા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે ભૂકંપ આવ્યો હોવામાં ફેક ન્યૂઝ ફેલાયા હતા. જેને કારણે નાગરિકોમાં ભય અને ચિતાનું મોજુ ફરી વળ્યું હતું. પરંતુ સવારે વાસ્તવિકતાની નક્કર માહિતી મળતાં પ્રજાજનોને હાશકારો અનુભવ્યો હતો.