મોરબી જિલ્લામાં બુટલેગરોની મેલી મુરાદ પર પાણી ફેરવી નાખવા પોલીસ મેદાને આવી છે. ઉત્તરાયણની ઉજવણી માટે પરપ્રાંતથી ગેસના ટેન્કરમાં મંગાવેલા વિદેશી દારૂના કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી હતી. વાંકાનેરના જાલીડા ગામ પાસે દારૂના કટીંગ વખતે મોરબી એલસીબીએ 8004 વિદેશી દારૂની બોટલો સાથે વાહનોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સિમમા આવેલ પડતર જગ્યામાં પરપ્રાંતમાંથી મંગાવેલા ઈંગ્લીશ દારૂનું ગેસના ટેન્કરમાંથી કટીંગ કરી દારૂની હેરાફેરી કરવા અન્ય નાના વાહનોમાં દારૂ ભરાતો હોવાની ચોક્કસ બાતમી મળતા તુરંત જ મોરબી એલસીબીની ટીમ તે સ્થળે ત્રાટકી હતી અને ગેસના ટેન્કરમાંથી 667 ઈંગ્લીશ દારૂની પેટી મળી કુલ 8004 દારૂની બોટલો તેમજ ટેન્કર અને અન્ય વાહનો મળી કુલ રૂ.56.86 લાખનો મુદામાલ ઝડપી વાંકાનેર પોલીસમાં આ અંગે ગુન્હો દાખલ કરતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.