હળવદ મોરબી હાઈવે પર નીચી માંડલ અને ઉંચી માંડલ ગામ વચ્ચે ટ્રકે અડફેટે લેતા બાઈક સવારને ઈજા પહોંચી હતી. જ્યારે બાઈક પાછળ બેસેલી માસુમ બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વાંકાનેરમાં જલારામ નગરમાં રહેતા હસમુખભાઇ કાંતિલાલ કાથરાણીએ આરોપી ટ્રક ટ્રેઇલર રજીસ્ટર નંબર–MH-40-CD-9892ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તારીખ 26 ડિસેમ્બરના રોજ ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક નંબર-MH-40-CD-9892વાળો હળવદ મોરબી હાઇવે રોડ નીચી ઉચી માંડલ ગામ વચ્ચે પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી આગળ જતા ફરીયાદીના બાઈક નંબર-GJ-36-H-9758ને હડફેટે લઇ આકસ્માત સર્જી ફરીયાદીને શરીરે મુઢ ઇજા તથા ફરીયાદીની દિકરી ધ્વનીને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી પોતાના હવાલાવાળુ ટ્રક ટ્રઇલર સ્થળ પર મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર હસમુખભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.