હળવદ તાલુકાના દેવળીયા ગામે બે વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્નનો ખાર રાખી હળવદ શહેરમાં આવેલી કોર્ટમાં મુદ્દત પૂર્ણ કરી બહાર નીકળી બાઈક પર સવાર થયેલા પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર અને પંકજસિંહ દશરથસિંહ પરમાર તેમજ કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા બહાર નીકળી રહ્યાં હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી કારે તેમને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી કરીને બાઈક ફુટપાથ સાથે અથડાતા ફરિયાદી પડી ગયા હતા. જેથી અચાનક જુના દેવળીયાના રાજેશ ઉર્ફે મુન્નો મનદીપભાઈ ભોરણીયા અને તેમનો દીકરો પ્રેમ ઉર્ફે કાનો રાજેશભાઈ બન્ને શખ્સોએ મારી નાખવાના ઈરાદે છરીથી હુમલો કર્યો હતો. વધુમાં રાજેશ ઉર્ફે મુન્નેએ તેના નેફામાંથી ગેરકાયદેસર નાની પિસ્તોલ કાઢી હતી. જોકે તે પિસ્તોલ ફરિયાદીએ ઝુંટવીને જીવ બચાવવા કોર્ટ તરફ ભાગી ગયા હતા. અને ત્યારબાદ 108 મારફતે પ્રથમ હળવદની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. જ્યારે આ બનાવ અંગે ભોગ બનનાર પ્રદ્યુમનસિંહએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૩૦૭, ૧૧૪ તથા આર્મ એક્ટ કલમ ૨૫(૧-બી) (એ), ૨૭, ૨૯તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.