મોરબી : મોરબીના નવલખી રોડ પર રણછોડનગર પાસે આવેલી સોસાયટીમાં કાયમી ગટર ઉભરાતા બારેમાસ વગર વરસાદે ચોમાસા જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે પાલિકા તંત્રને અનેક રજુઆત કરવા છતાં ગટર પ્રશ્ન હલ ન થતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.
મોરબીના રણછોડનગર પાછળ આવેલ નિધિપાર્ક સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં કાયમ એટલે ૩૬૫ દીવસ ગટર ઉભરાય છે.આ ઉભરાતા ગટરના ગંદા પાણી સોસાયટીની શેરીઓમાં નદીના વહેણની જેમ વહેતા હોય આવા ગટરના ગંદા પાણીમાંથી જ લોકોને અવરજવર કરવી પડે છે. ગટરના ગંધાતા ગંદા પાણીને કારણે ભારે ગંદકી ફેલાય છે. આથી મચ્છરોના ઉપદ્રવથી રહીશો ઉપર રોગચાળાનો ડોળો મંડરાય રહ્યો છે. સોસાયટી લોકોના આરોગ્ય ઉપર જોખમ હોવા છતાં નગરપાલિકા તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાથી સ્થાનિકોનું આરોગ્ય રામભરોસે થઈ ગયું છે. આથી આ ગટરની ગંભીરતાને ધ્યાને લઈને પાલિકા તંત્ર સમયસર તેમની સોસાયટીની ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.