મોરબીના હળવદમાં કોર્ટ પરિસર બહાર મામલતદાર ઓફિસ નજીક બે પક્ષો વચ્ચે બબાલની ઘટના બની છે. બે લોકો કોર્ટમાં મુદ્દત પુર્ણ કરીને બહાર નીકળ્યા ત્યારે તેમના પર 3 થી 4 લોકોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. તો સાથે જ ફાયરિંગનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ફાયરિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. સમગ્ર ઘટનાને પગલે હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ મામલે હળવદ પોલીસ ઈન્ચાર્જ પીઆઈ દિપક ઢોલે જણાવ્યું હતું કે, દેવળીયા ગામના બે પક્ષો વચ્ચે માથાકુટ થઈ હતી. જેમાં બે લોકો કોર્ટમાંથી મુદત પૂર્ણ કરી પોતાના બાઈક પર સવાર થઈને બહાર નીકળતા હતા. એ સમયે ત્યાં કાર ધસી આવી હતી. અને કારમાંથી ત્રણથી ચાર જેટલા શખ્સો બહાર નીકળ્યા હતા અને પ્રાણઘાતક હથિયારો સાથે બંને લોકો ઉપર તૂટી પડ્યા હતા. આ અથડામણમાં બંધુક તાકી ફાયરિંગનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ સંપૂર્ણ માથાકૂટમાં તીક્ષ્ણ હથિયાર વડે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સંપૂર્ણ સ્થિતિ કાબુમાં છે તેવું તેમણે જણાવ્યું હતું. જોકે કોર્ટની મુદતેથી પરત ફરી રહેલા બે વ્યક્તિ પર હુમલો થતા પંથકમાં ચકચાર મચી હતી.