વાંકાનેર તાલુકાના જોધપુર ખાતે નેશનલ હાઈવે નજીક આવેલા મહાદેવ, હનુમાનજી અને પંચ દેવતાની જગ્યામાં આજરોજ હોમાત્મક લઘુરુદ્ર તથા બ્રહ્મભોજન અને અતિથિ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. આ જગ્યા ઉપર 50 વર્ષ પહેલા એક યોગીજી પધારેલા અને ત્યાં આસન કરી હરિસ્મરણ શરૂ કરેલ. સમયાંતરે ભૂમિ ઉપર નવી ઊર્જા સ્થાપિત થતા ત્યાં મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. દયાનંદ ગીરીબાપુના વરદ હસ્તે શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. જે મંદિર આજે કમલેશ્વર મહાદેવના નામથી પ્રચલિત છે. અસંખ્ય પદયાત્રીકો જેમાં ખાસ કરી આશાપુરા માતાના મઢ જતા કે ચોટીલા કે માટેલ જતા યાત્રિકો માટે અહીં રહેવા જમવાની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આજે આ વિસ્તારમાં આ જગ્યા ખુબજ આસ્થાનું કેન્દ્ર છે. દયાનંદ ગીરીબાપુ 127 વર્ષનું આયુષ ભોગવી કૈલાશ ગમન કરેલ તે પહેલા પોતાના હસ્તથી પોતાની મૂર્તિ કંડારી અને સમાધિ સ્થળ જાતે જ નક્કી કરેલ હતું. તે આજે ત્યાં મૌજુદ છે જે બાપુનો આશ્રમ મંદિરની બાજુમાં આવેલ છે જ્યાં પ્રવેશ માત્ર થી મનને શાંતિ મળે છે.
દાતા અને શિવ ઉપાસકોના સહયોગથી મંદિરનું રીનોવેશન કરી આજનો આ ત્રિવિધ કાર્યક્રમ કરવામાં આવેલ. આ કાર્યમાં સખત પરિશ્રમ અને મહેનત ધનંજયભાઈ ઠાકર અને નિવૃત્ત અધિકારી સાણજાભાઈ તથા સુખદેવસિંહ જાડેજા અને સ્થાનિક ગામ લોકો જોડાયા હતા. હાલ આ મંદિરમાં વહીવટ અને સેવા પૂજા કેશુભાઈ ભગત સંભાળે છે તેઓ ખૂબ જ માયાળુ હોવાથી મંદિરમાં ખૂબ જ લોકો દર્શન કરવા માટે આવે છે અને કેશુભાઈ ખુબ સન્માન આપે છે.