આગામી તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના નવનિર્મિત ભવ્યાતિભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વાંકાનેરની વિવેકાનંદ સોસાયટી ખાતે ભવ્ય કળશ યાત્રા નીકળી હતી. કળશ યાત્રામાં વાંકાનેરનાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાઓ સાથે સોસાયટીના મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર અયોધ્યાથી આવેલ મુખ્ય અક્ષત કુંભ વિશ્વ હિન્દુ પરિષદ-વાંકાનેર દ્વારા વિવેકાનંદ સોસાયટી ખાતે પૂજન અને દર્શન માટે પધરામણી કરવામાં આવી હતી. આ અવસરે ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો તથા નાની બાળાઓએ અક્ષત કળશના સામૈયા કરી મહિલાઓ અને બાળાઓ દ્વારા રંગોળી બનાવી હતી. અને વાજતે ગાજતે અક્ષત કળશની સોસાયટીના કોમ્યુનીટી હોલ ખાતે પધરામણી કરવામા આવી હતી. અને સૌ ભાવિભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો. સૌ ભક્તજનોમાં આવનારી તા.૨૨-૦૧-૨૦૨૪ના રોજ અયોધ્યામાં શ્રી રામ ભગવાનના ભવ્યાતિભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને ઉત્સાહ જોવા મળ્યો હતો.