મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલા મારુતિપાર્કમાં છેલ્લા એક વર્ષથી પાણી ન આવતું હોવાથી સ્થાનિક મહિલાઓ દ્વારા હાઇવે ઉપર ચક્કાજામ કરી દેવાતા બન્ને તરફ બેથી ત્રણ કિલોમીટર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મોરબીના જેતપર પીપળી રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલ મારુતિ સોસાયટીમાં પીવાના પાણી અંગે કોઈ વ્યવસ્થા ન હોય છેલ્લાં એક વર્ષથી સ્થાનિક નાગરિકો પાણી માટે વલખા મારી રહ્યા છે, જેમાં આજે પરિસ્થિતિ વણસતા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સ્થાનિક આગેવાનો પહેલા 11 હજાર અને બાદમાં 50 હજાર રૂપિયા પાણીની લાઇન નાખવા લઈ ગયા હોવા છતાં પાણી ન મળતા હાઇવે ઉપર ચક્કાજામ કર્યો હતો. શિયાળામાં જ પાણીની ગંભીર સ્થિતિ સર્જાતા લોકો રસ્તા ઉપર ઉતરી આવતા બનાવ સ્થળે ટ્રાફિક ક્લિયર કરાવવા પોલીસ પણ પહોંચી હતી જોકે રોષે ભરાયેલ મહિલાઓ એકની બે ન થતા હાઇવે ઉપર બન્ને તરફ ત્રણથી ચાર કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા.