મોરબી જિલ્લો સિરામિક, નળિયા તથા સેનેટરી તેમજ ઘડિયાળ ઉદ્યોગ દ્વારા વિશ્વભરમાં પ્રખ્યાત છે. વિશ્વભરમાં પ્રખ્યાત સૌથી મોટી સાઈઝની ટાઇલ્સ મોરબીમાં બને છે. તેમજ ઘડિયાળ ઉદ્યોગ ક્ષેત્રે મોરબીની નામના છે. ત્યારે આ તમામ ઉદ્યોગને વેગ મળે તે માટે વાંકાનેર જંક્શનથી પસાર થતી મહત્વની લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ દ્વારા કેન્દ્રીય રેલમંત્રીને વાંકાનેર જંક્શનથી પસાર થતી લાંબા અંતરની સાત ટ્રેનોને સ્ટોપ આપવા માંગ સાથે દિલ્હી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગોને વેગ આપવા માટે વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવી તથા રાજ્ય કક્ષાના રેલમંત્રી દર્શના જરદોશને રજૂઆત કરતા જણાવ્યું હતું કે વાંકાનેર જંક્શનથી પસાર થતી ટ્રેન હાપા મુંબઈ, પોરબંદર સાલીમાર, ઓખા સાલીમાર, પોરબંદર સંત્રાગચિલ, ઓખા ગુવાહાટી, ઓખા બનારસ, વેરાવળ સુરતને સ્ટોપ આપવા માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ રજૂઆત કરી હતી કે ટ્રેનોને સ્ટોપ આપવાથી ભારતભરમાંથી ઉદ્યોગ માટે તેમજ સૌરાષ્ટ્રના પ્રજાજનોને સગવડતા મળશે.