બે વર્ષથી સરપંચ વિરૂઘ્ધનો ધૂંધવાટ શુક્રવારે બોમ્બ બની ફૂટતા સ્થાનિક રાજકારણ મા હડકંપ મચી.

ટંકારા ગ્રામ પંચાયતની શુક્રવારે મળેલી બેઠકમા સરપંચ ની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી સભ્યોએ અસંતોષ વ્યક્ત કરી હોબાળો મચાવી બજેટ સહિતની તમામ બાબતો નો વિરોધ કરી બજેટ ના મંજુર કરતા તાલુકાના સ્થાનિક રાજકારણ મા ભૂકંપ સર્જાયો હતો.
ટંકારા તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત ખાતે શુક્રવારે એજન્ડા મુજબ સામાન્ય સભા મળી હતી. એજન્ડા મા સમાવિષ્ઠ સામાન્ય બજેટ રજુ થતા જ આગોતરી તૈયારી સાથે આવેલા સરપંચ વિરોધ જુથના સભ્યો એ ગોઠવણ મુજબ વિરોધ કરી બજેટ ના મંજુર કર્યુ હતુ. સાથે તમામ રજુ થયેલ પ્રકરણો પણ હોબાળો મચાવી બહુમતી ના જોરે ના મંજુર કરતા સરપંચ ગોરધનભાઈ ખોખાણી ના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. કુલ ૧૪ સભ્યો અને સરપંચ સહિત ૧૫ સભ્યો નુ સંખ્યાબળ ધરાવતી ગ્રામ પંચાયત મા સરપંચ જુથના એક સભ્યે સરપંચ જુથ થી નારાજ થઈ અગાઉ રાજીનામુ ધરી દીધુ હતુ. વર્તમાન બોડી મા સરપંચ સહિત 14 માથી એક સભ્ય ગેરહાજર રહેતા ૧૩ માથી સરપંચ વિરોધી જુથના સાત સભ્યોએ બહુમતી થી સામાન્ય સભામા એજન્ડા મુજબ ૯ મુદ્દે ચર્ચા અને મંજુરી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતા જ પૂર્વ તૈયારી સાથે આવેલા સભ્યો એ ચુંટણી સમયથી પ્રવર્તતો ધૂંધવાટ આજે ઉકળતા ચરૂ ની જેમ બહાર આવ્યો હતો. અને બજેટ સહિતના તમામ મુદ્દાઓ નો એક સુરે વિરોધ કરી ના મંજુર કરતા સમગ્ર તાલુકાના સ્થાનિક રાજકારણમા ભારે હડકંપ મચી ગઈ હતી. બજેટ ના મંજુર કરી વિરોધી છાવણીએ સરપંચ જુથના પગ નીચેથી રીતસર જાજમ ખેંચી લેતા આખી ગ્રામ પંચાયતના તમામ ચુંટાયેલા પ્રતિનિધિઓના અસ્તિત્વ ઉપર હાલ જોખમ ઉભુ થયુ છે. જોકે, નિયમ મુજબ ગ્રામ પંચાયત સામાન્ય સભા ની બજેટ ના મંજુર સહિતની કાર્યવાહી જાણ અંગેની તાલુકા વિકાસ અધિકારી ને મોકલવા મા આવશે અને હજુ ફરી તક આપવાની જોગવાઈ હોય તેમા ફરી સાંગોપાંગ પાર ન ઉતરે તો આખી ગ્રામ પંચાયતના તમામ ચુંટાયેલા સભ્યો ઘર ભેગા થવાની શક્યતા રહે છે. ટંંકારા ગ્રામ પંચાયત ની વર્ષ ૨૦૨૧ મા સંપન્ન થયેલી ચુંટણી વખતે જ સરપંચ અને હરીફ જુથ વચ્ચે વૈમનસ્ય ના બીજ રોપાઈ ગયા હતા. જેમા, બંને જુથ પાસે ૭ – ૭ સભ્યો હોવાથી સરપંચ નો મત સરપંચ જુથ બાજુ પડે એટલે એક મતે હરીફ જુથ મહાત થાય એવા એંધાણ હોવાથી સમસમી ને બેઠુ હતુ. જેવો સરપંચ જુથના એક સભ્યે રાજીનામું ધરી દેતા હરીફ છાવણીએ ખેલ પાડી દીધો હતો. ઉપરાંત, બાજી પલટવા મા મહત્વ ની જાણવા મળેલી વિગત પ્રમાણે સરપંચ સ્થાનિક કામગીરીમા મનમાની કરતા હોવાથી તેના જુથ મા પણ અંદરખાને કચવાટ હોવાથી ખેલ પડી ગયો હતો.