મોરબી જિલ્લાના ખેડૂતોની સિંચાઈની માંગને ધ્યાને લઈને ટંકારાના ડેમી-2 ડેમમાંથી પાણી છોડવાના નિર્ણય બાદ ઝીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમમાંથી ચેકડેમો ભરવા માટે ઘોડાધ્રોઈ ડેમના બે ગેઇટ અડધો ફૂટ ખોલવા નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી અને માળીયા પંથકના ખેડુતોની સિંચાઈ માટે પાણી છોડવાની માંગને ધ્યાને લઇ સિંચાઈ વિભાગ દ્વારા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડીને ડેમ હેઠળના ચેકડેમો ભરવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી આજે રાત્રે ઘોડાધ્રોઈ ડેમના બે ગેઇટ અડધો ફૂટ ખોલાશે. આથી આ ડેમ હેઠવાસના મોરબી અને માળીયાના 9 ગામોને નદીના પટમાં અવરજવર નહી કરવા એલર્ટ કરવામાં આવ્યા છે.
તો ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલા ડેમી-2 ડેમમાં આવેલ સૌની યોજનાના પાણી આવતા ડેમની સપાટી ભરેલી હોય જેથી ડેમી-2 યોજનામાંથી ડેમી-3 યોજના તેમજ ડેમી-2 હેઠળ આવતા ચેકડેમોમાં પાણી ભરવા માટે ડેમના બે દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે. જેથી સિંચાઈ વિભાગ દ્વારા ડેમી-2 હેઠવાસમાં આવતા નસીતપર, નાના રામપર, મોટા રામપર મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જોડિયા તાલુકાના માવનુગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા સાવચેત કરવામાં આવ્યા છે.