હળવદ પંથકમાં દિવસેને દિવસે ખાણીપીણીનું ચલણ વધી રહ્યું છે. અને લોકો પીઝા, બર્ગર, પાંઉભાજી, ઢોંસા સહિતની અન્ય ફાસફુડ વસ્તુઓને મનભરીને ખાતા હોય છે. જેનો ફાયદો અનેક નફાખોર ધંધાર્થીઓ ઉઠાવી રહ્યાં છે. ત્યારે હળવદ શહેરમાં કેટલાક સમયથી ખાણીપીણીનું વેચાણ નીતિ નિયમોને નેવે મુકી ખુલ્લેઆમ થઈ રહ્યું છે. એવામાં ફુડ વિભાગ ચેકિંગ કરી લાલ આંખ કરે તેવી માંગ ઉઠી છે.
હળવદ શહેરની જાણીતી એક હોટલ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. જ્યારે જમવા બેઠા ત્યારે ડીશમાંથી મરેલા જીવડા અને ગુલાબ જાંબુમાંથી મકોડો નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ બાબતની હોટલ સંચાલકને રજૂઆત કરતા હોટલ સંચાલક ગ્રાહકને આજીજી કરવા લાગ્યા હતા. અને ભારે સમજાવટ બાદ સુખદ સમાધાન કરી લેતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પરંતુ જોવાનું એ રહ્યું કે આવા સંચાલકો લોકોના આરોગ્ય સાથે ખુલે આમ ચેડા કરી રહ્યાં છે છતાં પણ ફુડ વિભાગ અને નગરપાલિકા તંત્ર તમાસો જોઈ રહ્યું છે. તો હળવદમાં આવા ચાલતા ફાસ્ટ ફૂડ સેન્ટરો, રેસ્ટોરન્ટો, હોટલો પર તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઉઠવા પામી છે.