મોરબી: વઘાસિયા નકલી ટોલનાકા પ્રકરણમાં આરોપીઓ રાજકીય ઈશારે ન પકડાતા હોવાનો કોંગ્રેસનો આરોપ

Advertisement
Advertisement

મોરબી જિલ્લાના વાંકાનેર વઘાસીયા નજીક નકલી ટોલનાકા કેસમાં ઘણા દિવસો થવા છતાં એકપણ આરોપી પકડાયો ન હોવાથી કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસે આરોપ મુકતા જણાવ્યું કે, ભાજપની રહેમનજર હેઠળ આ વગદાર આરોપીઓ બોગસ ટોલરૂપી કૌભાંડ કર્યા બાદ ઘણો સમય થવા છતાં ભાજપ અગ્રણી, ફેક્ટરીના માલિક સહિતના વગદાર આરોપીઓને રાજકીય ઈશારે પોલીસ પકડી ન શકતી નથી. કોંગ્રેસે કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપી તાત્કાલિક આરોપીઓને ઝડપીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું છે કે, વાંકાનેરના વઘાસિયા પાસે નકલી ટોલનાકા કાંડમાં સૂત્રધારો સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર અને વઘાસિયા પાસે આવેલ વ્હાઇટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઇ જેરામભાઈ વાસજાળીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને ભાજપ અગ્રણી સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા સહિતના મોટા મહારથીઓ સામે ખુદ પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધાવ્યાને ઘણો સમય વીતવા છતાં આજદિન સુધી પોલીસ આ એકપણ આરોપીઓને પકડી શકી નથી.