મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખીરઈ ગામ પાસે આવેલા સોલાર પ્લાન્ટમાંથી જેટકોને પાવર સપ્લાય કરવા માટે પાથરેલા વાયરની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબીના શનાળા રોડે આવેલા યદુનંદન-૧૯માં રહેતા કોન્ટ્રાક્ટર દિલીપભાઈ બચુભાઈ મોકાસણાએ અજાણ્યા શખ્સની સામે માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, માળિયાના ખીરઈ ગામ પાસે એલાઈવ કંપનીનો સોલાર પ્લાન્ટ આવેલ છે અને તે સોલાર પ્લાન્ટમાં ઉત્પન્ન થતા પવારને જેટકોના પાવર સ્ટેશન સુધી પહોંચાડવા માટે વાયર પાથરવામાં આવેલ છે. તેમાંથી બે થાંભલા વચ્ચેનો એલ્યુમિનિયમ વાયર આશરે અઢીસો મીટર જેની કિંમત ૨૦,૦૦૦ રૂપિયા તેમજ જમીનમાં નાખેલ એલ્યુમિનિયમનો કોપર લેયરનો વાયર ૨૦ મીટર જેની કિંમત ૧૦,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૩૦ હજાર રૂપિયાની કિંમતના વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી કરીને હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.