મોરબીના માળીયાના તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ અને ખરાબામાં પરદેશી બાવળ કાપવાની મજૂરી આપવા માટે મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના સભ્યએ ૮૦ હજારની લાંચની માંગણી કરી હતી. જેને પગલે મોરબી એ.સી.બી. પોલીસની ટીમે છટકું ગોઠવીને બન્નેને રંગેહાથ ઝડપ્યા હતા. ફરિયાદી પરદેશી બાવળ કાપી છુટક વેચાણ કરતા હોય જેથી તેમણે તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં રહેલા પરદેશી બાવળ કાપવા ગ્રામ પંચાયતના ચુટાયેલ સભ્ય આરોપી દામજીભાઇ પોપટભાઇ ગામીની પાસે પંચાયતની મંજુરી લઇ આપવા રજૂઆત કરી હતી. નિયમ મુજબ તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ જ્યોતિબેનને આ અંગેની રજૂઆત કરવાને સ્થાને આરોપી દામજીભાઇએ સરપંચ જ્યોતિબેનના પતિ મુકેશભાઇ હમિરભાઇ પરમારનો ભેટો ફરિયાદી સાથે કરાવ્યો હતો.
આરોપી મુકેશભાઈએ ફરિયાદીને જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતનો તમામ વહિવટ પોતાના પત્ની વતી પોતે જ કરતા હોય તેઓની સાથે ફરીયાદીને મેળવી બન્ને આરોપીઓએ ફરીયાદી પાસેથી પરદેશી બાવળ કાપવાની ગ્રામ પંચાયતની મંજુરી આપવાના અવે જ પેટે રૂપિયા ૮૦ હજાર આપે તો જ ગ્રામ પંચાયતની મંજુરી આપવાનુ કહી ફરીયાદી પાસેથી ૮૦ હજારની લાંચની માંગણી કરી હતી. જેથી સમગ્ર મામલે ફરિયાદીએ મોરબી એ.સી.બી. કચેરીનો સંપર્ક કર્યો હતો. અને એસીબીએ લાંચનુ છટકુ ગોઠવી બંને આરોપીઓને રૂપિયા ૮૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. હાલ મોરબી એ.સી.બી. પોલીસની ટીમે બંને આરોપીઓને ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં મોરબી એ.સી.બી. પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.રાણા અને રાજકોટ એ.સી.બી.ના મદદનીશ નિયામક વી.કે.પંડ્યા સહિતના પોલીસકર્મીઓ જોડાયેલા હતા.