હળવદ હાઈવે પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બને છે. ત્યારે હળવદના માર્કેટિંગ યાર્ડ પાસે વધુ એક અકસ્માતની ઘટના બની છે. જેમાં એક આધેડનું મોત નીપજ્યું છે. માર્કેટિંગ યાર્ડ સામે આવેલા નવજીવન વિકલાંગ આશ્રમ પાસે હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક આધેડનું મોત થયું હતું. આ ઘટનાને લઈને મૃતકના પુત્રએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. હળવદ જી.આઇ.ડી.સી. પાછળ રહેતા મેહુલભાઇ વિહાભાઇ સરૈયાના પિતા વિહાભાઇ સરૈયા ગત તારીખ ૧૩/૧૨/૨૦૨૩નાં સાંજના સમયે પોતાની GJ-18-AS-0749 નંબરની બાઈક લઈ જઈ રહ્યા હતા ત્યારે GJ-19-AA-0090 નંબરની કાર ચાલકે પોતાના હવાલવાળી કાર પુરપાટ ઝડપે ચલાવી હળવદ માર્કેટીંગ યાર્ડ સામે આવેલા નવજીવન વિકલાંગ આશ્રમ પાસે હાઇવે રોડ પર આધેડની બાઈકને પાછળથી ઠોકર મારી પાડી દઇને આધેડને માથાના ભાગે તથા ડાબા હાથે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે કાર ચાલક વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં મૃતકનાં પુત્ર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.