મોરબીના નીખીલ ધામેચાને આઠ વર્ષ પહેલા એકટીવા પર અપહરણ કરી મોતને ઘાટ ઉતારવાના ચકચારી હત્યાકાંડમાં પોલીસ હજુ સુધી હત્યારા સુધી પહોંચી શકી નથી. આ હત્યાકાંડમાં સ્થાનિક પોલીસ તપાસમાં નિષ્ફળ રહેતા તપાસ સી.આઈ.ડીને સોંપી હતી પણ પાંચ વર્ષની સી.આઈ.ડીની તપાસમાં પણ કોઈ કડી નહીં મળતા બાળકના માતા પિતા ઇન્સાફથી વંચિત રહ્યા છે.
આજે ઘટનાને આઠ વર્ષ વિતવા છતાં કોઈ પરિણામ નહીં મળતા મૃતક નીખીલના પિતાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સાથે સાથે આ હત્યાકાંડમાં મોટા માથા લિપ્ત હોય ઇન્સાફ નહીં મળતો હોવાની આક્રોશ પણ વ્યક્ત કર્યો છે. નીખીલ ધામેચા હત્યાકાંડને આજે 8 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મૃતકના પિતા પરેશભાઈ ધામેચાએ મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે પરેશભાઈના પુત્ર નીખીલ ધામેચા હત્યાને 8 વર્ષ પૂર્ણ થયા છે. અને હજુ સુધી પરિવારને ન્યાય મળ્યો નથી. પુત્ર નીખીલ તારીખ ૧૫-૧૨-૨૦૧૫ના રોજ ગુમ થયો હતો. જેનું શનાળા રોડ જીઆઈડીસી પાસે તપોવન સ્કૂલથી એકટીવા પાછળ બેસાડી એક ઇસમ અપહરણ કરી જતો જોવા મળ્યો હતો. તારીખ ૧૭-૧૨-૨૦૧૫ના રોજ રામઘાટ પાસે કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. એકટીવામાં પાછળ બેસી નીખીલને લઇ જતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જે ઘટનાને આઠ વર્ષ વીત્યા છતાં પોલીસ હત્યારા સુધી પહોંચી સકી નથી જે કેસ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા કેસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપવામાં આવ્યો હતો જેને પણ ૫ વર્ષનો સમય વીટી ગયો છે છતાં યોગ્ય તપાસ થઇ નથી.