વાંકાનેર શહેરમાં રહેતી પરિણીતાએ અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી રસ્તે મળી ગયેલા જેઠ અને જેઠાણીએ પરિણીતાને ભરણ પોષણનો કેસ પાછો ખેંચી લેવા અને પોતાનું નામ કઢાવી નાખજે નહિતર પુલ ઉપરથી ફેંકી દઈ માથે વીમા વાળી ગાડી ચડાવી દેવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર શહેરમાં ડોકટર દેલવાડિયાના દવાખાના પાછળ રહેતા ઉમાબેન મેહુલભાઈ ગોઢકિયા નામની પરિણીતાને સાસરિયામાં અણબનાવ હોય અગાઉ કેસ કર્યા બાદ ભરણપોષણ મેળવવા કેસ કર્યો હોવાથી ગત તારીખ 8ના રોજ તેઓને રસ્તામાં આરોપી એવા જેઠ સુરેશભાઈ મનુભાઈ ગોઢકિયા અને જેઠાણી દક્ષાબેન મળતા બન્નેએ ભરણ પોષણનો કેસ પાછો ખેંચી લઈ બન્નેના નામ આરોપીઓમાંથી કઢાવી લેવા ધમકી આપી કહ્યું હતું. જો તું કેસ પાછો નહીં ખેંચે તો પુલ ઉપરથી ફેંકી દઈ તારી ઉપર વીમા વાળી ગાડી ચડાવી દઈશ. જેઠ જેઠાણીની ધમકીને પગલે ઉમાબેને વાંકાનેર સીટી પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.