મોરબીના લાલપર પાસે બાઈક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા યુવકનું મોત

Advertisement
Advertisement

મોરબીના મકનસર ગામે રહેતો યુવાન સિરામિક કારખાનામાંથી નોકરી પૂર્ણ કરી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે લાલપર ગામે સર્વિસ રોડ પર કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક યુવાનનું મોત નીપજ્યું હતુ. ઘટનાને પગલે લાલપર ગામે રહેતા રમણીકભાઈ નાગજીભાઈ આંદોદરિયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મકનસર ગામે રહેતો તેનો કૌટુંબિક ભત્રીજો યાજ્ઞિક નરેન્દ્રભાઈ અંદોદરીયા પોતાનું એકટીવા નંબર જીજે-૩૬-સી-૧૫૯૨ લઈને કારખાને નોકરી પૂરી કરીને ઘર તરફ જવા માટે નીકળ્યો હતો અને લાલપર ગામથી આગળના ભાગમાં વાંકાનેર તરફ સર્વિસ રોડ ઉપર સોનેક્ષ સિરામિક કારખાનાની સામેના ભાગમાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેના એકટીવાને અડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના કૌટુંબિક ભત્રીજા યાજ્ઞિક અંદોદરીયાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતુ અને અકસ્માત સર્જીને અજાણ્યો બાઈક ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો. આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના કૌટુંબીક કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બાઈક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.