સમાજની એકતા , વિકાસ અને સુધારણા માટે સમાજમાં શિક્ષણ મહત્વનું પરિબળ
વાંકાનેરમાં બ્રહ્મ સમાજના સ્નેહ મિલન પ્રસંગે મહાનુભાવો દ્વારા શિક્ષણ તથા સંગઠન પર પ્રેરક ઉદબોધન

વાંકાનેર : શહેરમાં નવા વર્ષે ઔદિચ્ય બ્રહ્મ સમાજ રામ ચોક ખાતે આવેલી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડી ખાતે સ્નેહ મિલન સાથે સમાજના ચમકતા સિતારાઓ કે જેઓ અભ્યાસમાં તેજસ્વી હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઔદિચ્ય બ્રાહ્મણ સમાજનાં સ્નેહ મિલન પ્રસંગે અધ્યક્ષ સ્થાને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ , ઓર્થોપેડીક સર્જન ડૉ. ચિન્મય ત્રિવેદી, પ્રો. મયુરભાઈ જાની તથા જયેશભાઈ દવે સહિતના સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને વિવિધ પ્રકારની ભેટ સોગાદો અપાઈ હતી.
દીપ પ્રાગટ્ય સાથે સમારોહ ની શરૂઆત કરાઈ હતી. કાર્યક્રમમાં ભાવિન રાવલ , પૂનમબેન વ્યાસ , કલ્પેશ રાવલ તથા બાળ કલાકાર યુ ટ્યુબ ફેમસ ધ્યાની જાની દ્વારા સંગીત સંધ્યામાં કરા ઓકે મા પોતાના સુમધુર અવાજમાં કામણ પાથર્યા હતા અને સૌ ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે બાળકોને ખૂબ શિક્ષણ આપો નાનપણથી બાળકની કમાણીની અપેક્ષા ન રાખવી. શિક્ષણથી જ સમાજની એકતા વિકાસ અને સુધારણા શક્ય બનશે. જ્યારે પ્રોફેસર મયુરભાઈ જાની દ્વારા સમાજના બાળકોમાં સંસ્કૃત ભાષા શીખવા ઉપર ભાર મૂક્યો હતો.તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવાની વાત કરી હતી. જયેશભાઇ દવે એ સમાજના કલાકારોને વાતાવરણ મળે અને વિકાસ માટે ભલામણ કરી હતી.

જ્યારે મોરબીના ઓર્થોપેડીક સર્જન ડૉ ચિન્મય ત્રિવેદી દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોને તેની હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર આપવાની જાહેરાત કરી હતી.
કાર્યક્રમને અંતે ગાયત્રી શક્તિપીઠ નાં અશ્વિનભાઈ રાવલ ઔદિચ્ય બ્રાહ્મણ સમાજનાં પ્રમુખ રજનીભાઇ રાવલ ઉપપ્રમુખ સુરેશભાઈ ભટ્ટ દ્વારા ઉપસ્થિત બ્રહ્મ સમાજના ભાઈઓ , બહેનો તથા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન બ્રહ્મ અગ્રણી પ્રવીણભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.
