મોરબીના વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશનની પાછળ યુવાનના બાઇક આંતરીને બે શખ્સોએ જીવવું હોય તો જેટલા રૂપિયા હોય એટલા આપી દેવાનું કહેતા યુવાને પૈસા ન હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ તેની પર છરીથી હુમલો કરી તેના પાકીટમાંથી બારથી તેર હજાર રોકડાની લૂંટ ચલાવી મોબાઈલ અને બાઇકમાં નુકસાન કરીને ફરાર થઈ ગયા હતા. વીસીપરામાં રોહિદાસપરામાં રહેતા કિશોરભાઈ મનુભાઈ ચાવડાએ આરોપી અલ્તાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઇ જેડા, અલ્યાસ ઉર્ફે ભીમો હુશેનભાઈ સુમરા સામે ફરિયાદ નોંધાવી છે કે, તારીખ 9 ડિસેમ્બરના પોતાના ઘરે આવેલા મિત્ર ઉમંગને કિશોરભાઈ મનુભાઈ ચાવડાએ પોતાના બાઇકમાં બેસાડી રેલવે સ્ટેશને મુકી સાંજે 7-30 વાગ્યાની આસપાસ પરત ઘરે આવી રહ્યાં હતા. આ દરમિયાન રેલવે સ્ટેશનની પાછળ આરોપીઓએ પોતાનું બાઇક કિશોરભાઈના બાઇક આડે ઉભું રાખી બાઇકને પાટુ મારી તેમને નીચે પછાડી બોલાચાલી કરી હતી. અને તારી પાસે જેટલા રૂપિયા હોય એટલા રૂપિયા આપી દે તેમ કહેતા કિશોરભાઈએ મારી પાસે રૂપિયા નથી તેમ કહેતા ઉશ્કેરાયેલા આરોપી અલતાફે પેન્ટના નેફામાંથી છરી કાઢી તેમજ બીજા આરોપી ઇલ્યાસે તેઓને પકડી તેમના ખિસ્સામાંથી પાકીટ કાઢી લેતા પાકીટ પાછું લેવા જતા કિશોરભાઈને અલતાફે છરી ઝીકી બંને શખ્સોએ ઢીકાપાટુનો માર મારી તેમના બાઇક અને મોબાઈલમાં નુકસાન કરી બન્ને આરોપીઓ રૂપિયા 12 થી 13 હજારની લૂંટ ચલાવીને ભાગી ગયા હતા. બાદમાં યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા ત્યાં તેણે આ બનાવની ફરિયાદ નોંધાવી હતી.