મોરબી જિલ્લાના ટંકારા-લતીપર રોડ પર ખાનહી બસે રાહદારી વૃદ્ધાનો અડફેટે લઈ ટાયરનો જોટો માથે ફેરવી દેતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં વૃદ્ધાના પુત્ર શામજીભાઈ ડાયાભાઈ પંચાસરાએ ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, 7 ડિસેમ્બરના સવારે તેમના માતા ટંકારા-લતીપર રોડ પર આવેલી દયાનંદ હોસ્પિટલ સામે રોડની બાજુમાં ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન આરોપી બસ નંબર- GJ-05-BT-9554નો ચાલક પુરઝડપે આવ્યો અને રોડની બાજુમા ચાલીને જતા તેમના માતાને અડફેટે લઇ પછાડી દઇ બસના પાછળનો જોટા શરીર પર ફેરવી દેતા તેમની માતાને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા. જેથી મૃતકના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.