
સાંસદોની રજૂઆત રંગ લાવી
રાજ્યસભાના સાંસદ અને રાજવી કેશરીદેવસિંહ ઝાલા તથા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સાથે વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારિયા , તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર સહિત ગ્રામ પંચાયતનાં સરપંચો સહિતનાઓ દ્વારા ગાંધીનગર ખાતે કેબિનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા ને રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે સરકાર દ્વારા સૈધાંતિક મંજૂરી મળી ગઇ છે.
વાંકાનેર : વાંકાનેર પંથક ખેતી આધારિત છે આવકનું સાધન ખેતી છે ત્યારે આઝાદીના આટલા વર્ષો બાદ પણ કેટલાય ગામડાઓમાં ખેડૂતો માટે સિંચાઇની વ્યવસ્થા કરવામાં તંત્ર તેમજ સરકાર નિષ્ફળ રહેલ છે. ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે સૌની યોજનામાંથી પાણી મળી રહે તે માટે છેલ્લા ઘણા સમયથી રાજ્યસભાના સાંસદ અને રાજવી કેશરીદેવસિંહ ઝાલા મહેનત કરી રહ્યા હતા જેમની મહેનત આખરે રંગ લાવી છે જેમાં આજે રાજ્ય સરકારના પાણી-પુરવઠા વિભાગ દ્વારા ચંદ્રપુર તથા ઢુવા વિસ્તારના 29 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે રૂ. 100 કરોડ જેટલી માતબર રકમને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ગત અઠવાડિયે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિહની આગેવાની હેઠળ વાંકાનેર વિસ્તારના આગેવાનો તાલુકા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારિયા, તાલુકા પંચાયત સદસ્યો, વિવિધ ગામોના સરપંચો, આગેવાનો અને ભાજપ સંગઠનના સભ્યો દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રૂબરૂ મળી ઢુવા અને ચંદ્રપુર મહાલના 29 ગામોને સૌની યોજના અંતર્ગત સિંચાઈ માટે તળાવો ભરી પાણી આપવા રજૂઆત કરવામાં આવી હોય જે અનુસંધાને આજરોજ ગાંધીનગર ખાતે
કેબિનેટ બેઠકમાં વાંકાનેર વિસ્તાર માટે અંદાજે રૂ. 100 કરોડ જેટલી રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેથી આગામી ટૂંક સમયમાં જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પ્રશ્ન હલ થઇ જશે.